મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત એરોબેટિક ટીમ ‘સૂર્યકિરણ’ના બે દિવસીય એર શોનો પ્રારંભ થયો છે. મોહિઉદ્દીનપુર ઈન્ટિગ્રેટેડ ટાઉનશિપ ખાતે યોજાયેલા આ એર શોમાં વાયુસેનાના પાયલોટોએ આકાશમાં વિવિધ હેરતભર્યા કરતબો રજૂ કર્યા હતા.
સવારે 9 વાગ્યે હોક Mk-132 વિમાનો સાથે શરૂ થયેલા એર શોમાં અંદાજે 35 મિનિટ સુધી એરોબેટિક્સનું પ્રદર્શન કરવામાં આવ્યું. લૂપ, હાર્ટ, બેરલ રોલ, ઊંધી ઉડાન અને DNA મેન્યુવર જેવા કરતબોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વિમાનોમાંથી નીકળેલી ત્રિરંગા રંગની ધુમાડાની લકીરોથી આકાશમાં આકર્ષક નજારો સર્જાયો હતો.
આ શોની ખાસિયત એ રહી કે મેરઠના જ ત્રણ વાયુસેના પાયલોટો પણ સૂર્યકિરણ ટીમ સાથે પ્રદર્શનમાં જોડાયા છે. સૂર્યકિરણ ભારતીય વાયુસેનાની એરોબેટિક ટીમ છે, જે પોતાની ચોકસાઈ અને સંકલિત ઉડાન માટે જાણીતી છે.
એર શો માટે આશરે 100 એકર વિસ્તારમાં તૈયારીઓ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે કેટલીક સડકો પર વાહનવ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાની હવાઈ ક્ષમતાનું પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં લોકો મેરઠ પહોંચ્યા છે.









