રાજકોટમાં ટ્રકની ડીઝલ પાઇપ લાઇન તૂટતા રોડ પર ઢોળાયું ડીઝલ, તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરાઈ

રાજકોટ શહેરમાં માલવિયા પોલીસ મથક નજીકથી મવડી ચોકડી સુધીના માર્ગ પર એક ટ્રકની ડીઝલ પાઇપ લાઇન તૂટી જતાં અંદાજે 100 લિટર જેટલું ડીઝલ રોડ પર ઢોળાઈ ગયું હતું. ઘટનાના કારણે વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ, ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેની ડીઝલ પાઇપ લાઇન તૂટી ગઈ હતી. જેના કારણે માલવિયા પોલીસ મથક વિસ્તારથી લઈને મવડી ચોકડી સુધીના રસ્તા પર ડીઝલ ફેલાઈ ગયું હતું.

ઘટનાની જાણ કન્ટ્રોલ રૂમને થતાં તાત્કાલિક સંબંધિત વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા હતા. માહિતી મળતાં જ ટીમો સ્થળ પર પહોંચી હતી અને રોડ પર ફેલાયેલા ડીઝલને સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી.

રસ્તા પર ડીઝલ ફેલાવાના કારણે વાહનચાલકો લપસી ન જાય અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. સફાઈ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને પણ સુચારૂ રાખવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

સમયસર હાથ ધરાયેલી કામગીરીના કારણે કોઈ અકસ્માત સર્જાયો ન હતો. સંબંધિત તંત્ર દ્વારા ડીઝલ સંપૂર્ણપણે સાફ કરી માર્ગને ફરી સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો.

Leave a Comment

Traffic Tail