રાજકોટ એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. રાજકોટથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટેકઓફ બાદ પક્ષી સાથે અથડાતા (બર્ડ હિટ) પાયલોટે તાત્કાલિક ઇમરજન્સી જાહેર કરી હતી.
માહિતી મુજબ, ફ્લાઇટ ઉડાન ભર્યા બાદ પક્ષી વિમાન સાથે અથડાયું હતું, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખી પાયલોટે તરત જ રાજકોટ એરપોર્ટ પર પરત ફરી ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પાયલોટની સતર્કતા અને એર ટ્રાફિક કંટ્રોલના સંકલનથી વિમાનનું સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં સવાર તમામ 124 મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વિમાનના એક એન્જિનને અસર પહોંચી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સાવચેતીરૂપે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ તકનીકી ટીમ દ્વારા વિમાનની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનાના કારણે એરપોર્ટ પર થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો, પરંતુ સમયસર લેવાયેલા નિર્ણયના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને વૈકલ્પિક વ્યવસ્થા અંગે એરલાઇન દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.









