TRP ગેમઝોન અગ્નિકાંડ: પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને હાઈકોર્ટથી રાહત

મનપાના ડિસમિસ આદેશ પર વચગાળાનો સ્ટે; અંતિમ નિર્ણય સુધી સસ્પેન્ડ ગણવા અને નિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ

અમદાવાદ: રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે બરતરફ કરાયેલા પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને ગુજરાત હાઈકોર્ટથી મહત્વપૂર્ણ રાહત મળી છે. હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના ડિસમિસના આદેશ પર વચગાળાનો સ્ટે આપતાં અંતિમ નિર્ણય સુધી તેમને ડિસમિસ થયેલા નહીં પરંતુ સસ્પેન્ડ ગણવા અને નિયમ મુજબનું નિર્વાહ ભથ્થું ચૂકવવાનો આદેશ કર્યો છે.

TRP ગેમઝોન દુર્ઘટના બાદ ફરજમાં બેદરકારી બદલ રાજકોટ મહાનગરપાલિકાએ કુલ છ અધિકારીઓને બરતરફ કર્યા હતા. આ પહેલાં ટીપી વિભાગના અધિકારીઓ મુકેશ મકવાણા અને રાજેશ મકવાણાને પણ હાઈકોર્ટ તરફથી સમાન રાહત મળી હતી.

ઈલેશ ખેરે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે બરતરફીની કાર્યવાહી દરમિયાન કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયું નથી. દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે મનપાના આદેશ પર સ્ટે આપ્યો અને રાજકોટ મહાનગરપાલિકાને નોટિસ ફટકારી વધુ સુનાવણી આગામી તારીખે રાખી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી વિનાશક આગમાં 27 લોકોના મોત થયા હતા. ઘટનાના અનુસંધાને હાઈકોર્ટના સુઓમોટો હસ્તક્ષેપ બાદ મનપાએ ખાતાકીય તપાસ પૂર્ણ કરીને છ અધિકારીઓ સામે બરતરફીની કાર્યવાહી કરી હતી.

Leave a Comment

Traffic Tail