43 ડિગ્રીથી વધુ તાપમાને કૃષિને ભારે ફટકો; ઘઉં, મકાઈ અને ઓટ્સના ઉત્પાદન પર ગંભીર અસર
બ્રસેલ્સ: યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી અને જંગલ આગની અસર હવે કૃષિ ક્ષેત્રમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. યુરોપિયન અનાજ અને તેલીબીયા વેપાર સંગઠન કોસેરલના અંદાજ મુજબ અત્યાર સુધીમાં આશરે 90 લાખ ટન અનાજનો નાશ થયો છે, જેના કારણે લગભગ 2 અબજ યુરોનું આર્થિક નુકસાન થયું છે.
ભારે ગરમીના કારણે ઘઉં, મકાઈ, જુવાર અને ઓટ્સ સહિતના મુખ્ય પાકોને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. ઉત્પાદન ઘટતાં આગામી મહિનાઓમાં યુરોપમાં અનાજના ભાવમાં વધારો અને ખાદ્ય પુરવઠા પર દબાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યુરોપના અનેક દેશોમાં આ વર્ષે ઐતિહાસિક તાપમાન નોંધાયું છે. સ્વિટ્ઝરલેન્ડમાં પ્રથમ વખત 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે, જ્યારે ડેન્માર્કમાં 1874 બાદ પ્રથમવાર 36.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
અસહ્ય ગરમીના કારણે વીજળીની માંગમાં ભારે વધારો થતાં અનેક વિસ્તારોમાં પાવર ગ્રીડ પર દબાણ વધ્યું છે. નદીઓનું પાણી ગરમ થઈ જતાં કેટલાક પાવર પ્લાન્ટના સંચાલન પર પણ અસર પડી છે. ઉપરાંત અતિશય ગરમીને કારણે કેટલાક વિસ્તારોમાં રેલવેના પાટા વળી જવાની ઘટનાઓ પણ સામે આવી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો ગરમીનો પ્રકોપ યથાવત રહેશે તો કૃષિ ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા અને યુરોપિયન અર્થતંત્ર પર તેની વધુ ગંભીર અસર પડી શકે છે.









