ટ્રમ્પના ટેરિફ સામે અમેરિકામાં જ બળવો: 25 રાજ્યોએ કોર્ટમાં પડકાર્યો નિર્ણય

ભારત સહિત 60 દેશો પર 10થી 12.5% આયાત શુલ્કનો વિરોધ; ‘ગેરકાયદે ટેક્સ’ ગણાવી તાત્કાલિક રોકની માંગ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત 60 દેશો પર લાદવામાં આવેલા નવા 10થી 12.5 ટકા ટેરિફ સામે હવે અમેરિકામાં જ વિરોધનો મોરચો ખૂલ્યો છે. દેશના 25 રાજ્યોએ સંયુક્ત રીતે અદાલતમાં અરજી દાખલ કરીને આ નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે અને તેના અમલ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે.

અરજીમાં જણાવાયું છે કે નવા ટેરિફથી અમેરિકન પરિવારો, ગ્રાહકો અને વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ પડશે. રાજ્યોએ દલીલ કરી છે કે સુપ્રીમ કોર્ટ અગાઉ સમાન પ્રકારના ટેરિફ અંગે સરકારની સત્તાને મર્યાદિત કરી ચૂકી છે, છતાં વહીવટીતંત્ર નવા કાયદાનો આધાર લઈને ફરી તે જ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે.

ન્યૂયોર્કની એટર્ની જનરલ લેટિશિયા જેમ્સે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં હાર્યા બાદ પણ સરકાર ગેરકાયદે રીતે નવા આયાત શુલ્ક લાદીને સામાન્ય નાગરિકો પર ટેક્સનો બોજ વધારી રહી છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ IEEPA હેઠળ ટેરિફ લાદવાની સત્તા ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ત્યારબાદ સરકારે કામચલાઉ 10 ટકા ટેરિફ લાગુ કર્યો હતો, જે પૂર્ણ થતાં હવે 1974ના ટ્રેડ એક્ટની કલમ-301 હેઠળ નવા ટેરિફ અમલમાં મૂકવામાં આવ્યા છે.

બીજી તરફ, વ્હાઇટ હાઉસે ટ્રમ્પ સરકારના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું છે કે અમેરિકન ઉદ્યોગો અને કામદારોના હિતોની રક્ષા તેમજ અન્યાયી વેપાર પ્રથાઓનો જવાબ આપવા માટે આ પગલું જરૂરી અને કાયદેસર છે.

Leave a Comment

Traffic Tail