સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 8 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત બન્યું છે. સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં નોંધાયો છે, જ્યાં અંદાજે 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત શહેરમાં પણ 4 ઇંચ સુધી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
હવામાન વિભાગે સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી યથાવત રાખી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ તમામ શાળા અને શૈક્ષણિક સંસ્થાઓ આવતીકાલે બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ વધતા તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ, કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે રેસ્ક્યૂ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદી-નાળાઓથી દૂર રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સુરતમાં સતત વરસી રહેલા વરસાદને પગલે આગામી 24 કલાક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાત મુજબ વધુ પગલાં ભરવા માટે તૈયારી દર્શાવી છે.









