ગાંધીનગર: ગાંધીનગર સચિવાલય, સ્કૂલ અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈ-મેઈલ કેસમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે બે શખ્સને બિહાર અને ઝારખંડમાંથી ઝડપી લીધા છે. 10 સપ્ટેમ્બરે મળેલા ધમકીભર્યા ઈ-મેઈલની ટેકનિકલ તપાસ કરતાં પોલીસ બિહારના ભાગલપુર અને ત્યારબાદ ઝારખંડ સુધી પહોંચી હતી. તપાસમાં બંને શખ્સ વર્ષ 2022થી મોટી સંખ્યામાં ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ તૈયાર કરતા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
ભાગલપુરથી રોશન, ઝારખંડથી ગુલશનની ધરપકડ
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP વિવેક ભેડાના જણાવ્યા મુજબ, ધમકીભર્યા ઈ-મેઈલનું ટેકનિકલ લોકેશન બિહારના ભાગલપુરમાં મળ્યું હતું. જેના આધારે ગુજરાતની ટીમે બિહાર પોલીસની મદદથી રોશન કુમારને ઝડપી લીધો હતો.
આગળની તપાસમાં ગુલશન કુમારનું લોકેશન ઝારખંડમાં મળતાં ત્યાં પણ ટીમ મોકલવામાં આવી હતી અને તેની અટકાયત કરવામાં આવી હતી.
5,13,847થી વધુ ઈ-મેઈલ આઈડી-પાસવર્ડ બનાવ્યા
બંને શખ્સોની પૂછપરછ અને ડિજિટલ તપાસમાં સામે આવ્યું છે કે તેઓ વર્ષ 2022થી ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ બનાવતા હોવાની શંકા છે. અત્યાર સુધીમાં 5,13,847થી વધુ ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ બનાવવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ આઈડી-પાસવર્ડ અન્ય લોકોને વેચવામાં આવતા હોવાની પણ માહિતી મળી છે. હવે તપાસકર્તાઓ એ શોધી રહ્યા છે કે આ ઈ-મેઈલ આઈડી કોને વેચવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કયા પ્રકારની ગતિવિધિઓમાં થયો હતો.
ક્રિપ્ટો વોલેટથી નાણાકીય કડી શોધાશે
સાયબર તપાસ દરમિયાન બે ક્રિપ્ટો વોલેટ પણ મળી આવ્યા છે. આ વોલેટ મારફતે થયેલા વ્યવહારોની તપાસ શરૂ કરવામાં આવી છે. નાણાકીય લેવડદેવડ કોની સાથે થઈ હતી અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે તે અંગે તપાસ ચાલી રહી છે.
બાંગ્લાદેશી નેટવર્ક સાથે કનેક્શનની પણ તપાસ
ઝારખંડથી ઝડપાયેલા ગુલશન કુમારના બાંગ્લાદેશના સંભવિત આતંકી નેટવર્ક સાથે સંપર્ક હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ કનેક્શન સામે આવે તો ધમકીભર્યા ઈ-મેઈલમાં તેની કોઈ ભૂમિકા હતી કે કેમ તે અંગે પણ તપાસ થશે.
આ ઉપરાંત ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં અગાઉ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલ સાથે પણ બંને આરોપીઓની કોઈ કડી છે કે કેમ તે તપાસવામાં આવી રહ્યું છે.
બંનેની શૈક્ષણિક અને નોકરીની વિગતો પણ સામે આવી
તપાસ મુજબ રોશન કુમાર 12 પાસ છે અને ટેકનિકલ સ્કૂલમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ગુલશન કુમારે BSc સુધી અભ્યાસ કર્યો છે અને સોશિયલ મીડિયા પર પણ સક્રિય હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
બંનેનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
હવે ઈ-મેઈલના આખા નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ
ગાંધીનગર થ્રેટ મેઈલ કેસમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ હવે બનાવાયેલા લાખો ઈ-મેઈલ આઈડી, ક્રિપ્ટો વોલેટના વ્યવહારો, સંભવિત નાણાકીય કડીઓ અને અન્ય શંકાસ્પદ લોકો અંગે તપાસ કરી રહી છે. બિહાર અને ઝારખંડ પોલીસના સહયોગથી શરૂ થયેલી તપાસ હવે આ સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા પર કેન્દ્રિત છે.









