સોના-ચાંદીમાં તેજીનું પુનરાગમન: સોનું રૂ.1,000 અને ચાંદી રૂ.3,000 મોંઘી

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળેલી મંદી બાદ આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ.1,000નો વધારો થતાં ભાવ રૂ.1,46,500 સુધી પહોંચ્યો છે, જ્યારે ચાંદીમાં રૂ.3,000નો ઉછાળો નોંધાતા તેનો ભાવ રૂ.2.29 લાખ પ્રતિ કિલોગ્રામ થયો છે.

વૈશ્વિક બજારમાં પણ કિંમતી ધાતુઓમાં રિકવરી જોવા મળી રહી છે. સોનાનો ભાવ ફરી 4,000 ડોલરની સપાટી પાર કરીને 4,037 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યો છે, જ્યારે ચાંદીનો ભાવ 57.85 ડોલર પ્રતિ ઔંસ નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજી અને નીચા ભાવને કારણે સ્થાનિક ખરીદીમાં પણ વધારો થયો છે.

બીજી તરફ, ક્રૂડ ઓઇલના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે. ઇરાન દ્વારા હોર્મુઝ જળમાર્ગમાં કાર્ગો જહાજ પર ડ્રોન હુમલાના અહેવાલ બાદ ભાવમાં તાત્કાલિક વધારો થયો હતો, પરંતુ ત્યારબાદ બ્રેન્ટ ક્રૂડ ફરી ઘટીને આશરે 72.10 ડોલર અને WTI ક્રૂડ 70 ડોલરથી નીચે 69.68 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે.

ક્રૂડ ઓઇલના ભાવ યુદ્ધ પૂર્વેના સ્તરે પરત ફરતા ભારત સહિત તેલ આયાત કરતા દેશોને રાહત મળી રહી છે. જોકે દેશમાં હજુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર થયો નથી, પરંતુ આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ સ્થિર રહે તો ગ્રાહકોને રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail