ધંધુકામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેરથી ખેડૂતો ખુશ

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અચાનક બદલાયેલા વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ધંધુકાના ઊંચડી વિસ્તારમાં પ્રચંડ પવન સાથે અંદાજે 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં અનેક સ્થળોએ રસ્તાઓ નાની નદીઓમાં ફેરવાઈ ગયા હતા.

માત્ર ઊંચડી જ નહીં, પરંતુ ચંદરવા, સાલાસર, બાજરડા, સરવાળ અને ઝાંઝરકા સહિત ધંધુકા તાલુકાના અનેક ગામોમાં પણ ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે ખેતી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.

Leave a Comment

Traffic Tail