ભુજના ભાનુશાલીનગર વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રસ્તા પર થયેલા દબાણોને કારણે ટ્રાફિક અને અવરજવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
પાલિકાએ અગાઉ લારી-ગલ્લા ધારકોને નોટિસ પાઠવી દબાણ દૂર કરવા સૂચના આપી હતી. નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
માહિતી મુજબ, લગભગ 45 જેટલા લારી-ગલ્લા ધારકોને હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. રસ્તો પહોળો કરી વાહનવ્યવહારને સરળ બનાવવા માટે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
પાલિકાની કાર્યવાહી પહેલાં કેટલાક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવી લીધા હતા. જ્યારે બાકીના દબાણો સામે પાલિકાની ટીમે કાર્યવાહી કરી લારી-ગલ્લાઓ જપ્ત કર્યા હતા.
કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાલિકાએ જણાવ્યું હતું કે શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણ દૂર કરવા માટે આવશ્યકતા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.









