વર્ષો જૂની પત્રકારોને માહિતી આપવાની વ્યવસ્થા બંધ થતાં સવાલો; અન્ય મહાનગરપાલિકાઓમાં કેમ નહીં?
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું નવું શાસન આવ્યા બાદ પત્રકારોને પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે વારંવાર એક જ જવાબ સાંભળવા મળી રહ્યો છે—“પ્રદેશની સૂચના છે.” વર્ષોથી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની વિગતો પત્રકારોને ઉપલબ્ધ કરાવવાની પરંપરાગત વ્યવસ્થા હતી, પરંતુ હવે આ સિસ્ટમ બંધ કરવામાં આવી હોવાના કારણે અનેક સવાલો ઊભા થયા છે.
મહાનગરપાલિકાના શાસકોને માહિતી અંગે સવાલ કરવામાં આવે ત્યારે પ્રદેશ ભાજપની સૂચનાનો હવાલો આપવામાં આવે છે. ત્યારે સવાલ એ છે કે જો આ નિર્ણય પ્રદેશ ભાજપની સૂચનાથી લેવાયો હોય તો શું રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ માટે પણ આવી જ સૂચના આપવામાં આવી છે?
અમદાવાદ, વડોદરા, સુરત અને જામનગર સહિતની અન્ય મહાનગરપાલિકાઓમાં પત્રકારોને માહિતી આપવાની વ્યવસ્થા અંગે પણ સ્પષ્ટતા થવી જરૂરી છે. જો અન્ય મહાનગરપાલિકાઓમાં આવી વ્યવસ્થા ચાલુ હોય તો માત્ર રાજકોટ મહાનગરપાલિકા માટે જ આ નિર્ણય કેમ?
વર્ષોથી ચાલતી પારદર્શક માહિતી વ્યવસ્થા અચાનક બંધ થતાં પત્રકારો અને નાગરિકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. પ્રદેશની સૂચના છે તો તેનો સત્તાવાર પરિપત્ર ક્યાં છે? નિર્ણયનું કારણ શું છે? અને માત્ર રાજકોટ માટે જ આ નિર્ણય કેમ? જેવા સવાલોના જવાબ હવે શાસકોએ આપવાના રહેશે.
મહાનગરપાલિકાની કામગીરીમાં પારદર્શિતા જળવાય અને જનપ્રતિનિધિઓના નિર્ણયો અંગે લોકોને યોગ્ય માહિતી મળે તે લોકશાહી વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે. તેથી પત્રકારોને માહિતી આપવાની પરંપરાગત વ્યવસ્થા બંધ કરવા પાછળનું સાચું કારણ શું છે તે સ્પષ્ટ કરવું જરૂરી બન્યું છે.
હવે રાજકોટના નવા શાસકો સામે સૌથી મોટો સવાલ એ જ છે—“પ્રદેશની સૂચના છે” એટલું કહેવું પૂરતું છે કે આ નિર્ણય અંગે સત્તાવાર સ્પષ્ટતા પણ કરવામાં આવશે?









