અમેરિકી કોર્ટે બે તબક્કામાં કુલ 942 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો
નવી દિલ્હી: બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ઓનલાઈન સુરક્ષા સાથે ચેડા કરવાના આરોપોને લઈને અમેરિકાની કોર્ટે મેટા સામે મોટી કાર્યવાહી કરી છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની પર બીજા તબક્કામાં 567 મિલિયન ડોલર, એટલે કે આશરે ₹5,399 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ન્યૂ મેક્સિકોની કોર્ટના ચુકાદામાં કંપની પર બાળકોની સુરક્ષા કરતાં નફાને વધુ પ્રાથમિકતા આપવાનો આરોપ મૂકાયો છે. કોર્ટના જણાવ્યા મુજબ, બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે તેવી સામગ્રી અને ઓનલાઈન જોખમોને રોકવા માટે પૂરતા પગલાં લેવાયા નહોતા.
કોર્ટે દંડમાંથી 420 મિલિયન ડોલર યુવાઓના માનસિક સ્વાસ્થ્યની સારવાર માટે ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. બાકીની રકમ જાગૃતિ, સ્ક્રીનિંગ સેવાઓ અને બાળકોને હાનિકારક સામગ્રીથી બચાવવા માટે ખર્ચાશે.
અગાઉના તબક્કામાં મેટા પર 375 મિલિયન ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો. આમ બંને તબક્કામાં કંપની પર કુલ 942 મિલિયન ડોલરનો દંડ થયો છે.
સરકારી વકીલોએ સોશિયલ મીડિયા પર વ્યસન વધારતા ફીચર્સ પર નિયંત્રણ, તપાસ પ્રક્રિયામાં સુધારો અને બાળકો માટે વધુ સુરક્ષિત પ્રાઈવસી સેટિંગ્સ લાગુ કરવાની માંગ કરી છે.









