ગુજરાતમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ: ATSના ઓપરેશનમાં પખવાડિયામાં 13 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા

જૈશ-એ-મોહમ્મદના નેટવર્કનો ભાંડો ફૂટ્યો; રાજ્યમાં 8 વખત બોમ્બ પરીક્ષણ, પાકિસ્તાની હેન્ડલર સાથે સીધો સંપર્ક

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ રાજ્યમાં આતંકવાદી ગતિવિધિઓ સામે મોટી સફળતા મેળવી છે. પખવાડિયામાં હાથ ધરાયેલા વિશેષ ઓપરેશન દરમિયાન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની શંકા હેઠળ કુલ 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ગુજરાતમાં આઠ વખત બોમ્બ વિસ્ફોટના પરીક્ષણો કરવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ATSએ ગત 3 જુલાઈએ ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આઠ શંકાસ્પદ ઓપરેટિવ્સને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં મળેલી મહત્વપૂર્ણ માહિતીના આધારે વધુ પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 24 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી, વિસ્ફોટક તૈયાર કરવાની માહિતી, ઉશ્કેરણીજનક ધાર્મિક સાહિત્ય અને અન્ય ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં આઠ વખત વિસ્ફોટના પ્રયોગો પણ કર્યા હતા.

તપાસમાં મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવેલા મોહમ્મદ અમીને ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ રહ્યો નહોતો. બાદમાં તેણે વિસ્ફોટક સામગ્રી અન્ય આરોપી બિલાલ આબિદ શેખને સોંપી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.

ATSના પ્રાથમિક તારણો મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાનમાં બેઠેલા ‘અબ્દુલ્લા સાહબ’ નામના હેન્ડલરના સંપર્કમાં હતા અને તેના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આતંકી નેટવર્ક ઉભું કરવાની યોજના પર કામ કરી રહ્યા હતા. આ પ્રવૃત્તિઓ માટે તેમને રૂ.3 લાખની આર્થિક મદદ પણ મળ્યાની માહિતી સામે આવી છે.

હાલ ATS સમગ્ર આતંકી નેટવર્ક, સ્થાનિક સંપર્કો, નાણાંકીય વ્યવહારો અને સંભવિત ટાર્ગેટ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ કાર્યવાહીથી રાજ્યમાં મોટા આતંકી કાવતરાને સમયસર નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.

Leave a Comment

Traffic Tail