1948થી થયેલા ટુકડા ધારાના ભંગ હવે દંડ વિના નિયમિત થશે; શહેરી વિસ્તારોને મળશે સંપૂર્ણ મુક્તિ
ગાંધીનગર: ગુજરાત સરકારે ટુકડા ધારા-1947માં કરેલા મહત્વપૂર્ણ સુધારાને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા રાજ્યમાં જમીન સંબંધિત કાયદામાં ઐતિહાસિક ફેરફારનો માર્ગ મોકળો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયથી લાખો ખેડૂતો, જમીનધારકો અને મિલકત માલિકોને સીધો લાભ મળશે.
સુધારાની જોગવાઈ મુજબ વર્ષ 1948થી અત્યાર સુધી ટુકડા ધારાના ભંગ હેઠળ આવેલા તમામ કેસો હવે કોઈપણ પ્રકારની પેનલ્ટી વિના નિયમિત કરવામાં આવશે. પરિણામે વર્ષોથી અટવાયેલા જમીનના હજારો કેસોના ઉકેલનો માર્ગ સરળ બનશે.
રાજ્યભરમાં હવે 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં આવશે. સાથે જ શહેરી વિસ્તારોને ટુકડા ધારાની જોગવાઈમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે, જેના કારણે શહેરોમાં બાંધકામ, જમીન વિકાસ અને મિલકતના વ્યવહારોને નવી ગતિ મળશે.
આ સુધારાથી બિનખેતી (NA) મંજૂરી પ્રક્રિયા, જમીનની ખરીદી-વેચાણ, પ્લોટિંગ અને બાંધકામ સંબંધિત પ્રક્રિયાઓ વધુ ઝડપી અને સરળ બનશે. વર્ષોથી ચાલતા કાયદાકીય વિવાદો, વહીવટી અવરોધો અને સમય-નાણાંના વ્યયમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.
રાજ્ય સરકારનું માનવું છે કે આ નિર્ણયથી સ્થાનિક સ્તરે જમીન સંબંધિત ગૂંચવણો દૂર થશે, વિકાસકાર્યોને વેગ મળશે અને કૃષિ, રહેણાંક તેમજ ઔદ્યોગિક ક્ષેત્રમાં રોકાણને પણ પ્રોત્સાહન મળશે. જમીન વ્યવસ્થાપન ક્ષેત્રે આ સુધારો રાજ્ય માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.









