મહેસાણા જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા હાથ ધરાયેલી સઘન ચકાસણી દરમિયાન અંદાજે રૂ. 33 લાખના શંકાસ્પદ બિયારણ અને ખાતરના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી મળી રહે તે માટે વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન શંકાસ્પદ બિયારણ અને ખાતરના કુલ 64 નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને ગુણવત્તા અને નિયમો અનુસાર ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કૃષિ વિભાગે મહેસાણા જિલ્લામાં 19 ઉત્પાદકો અને 89 વિક્રેતાઓની દુકાનો પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્ટોક જાળવણી, રજિસ્ટ્રેશન અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસમાં કેટલીક અનિયમિતતાઓ સામે આવતા 8 વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. સ્ટોક જાળવણી અને રજિસ્ટ્રેશન સંબંધિત બેદરકારીને લઈને સંબંધિત વેપારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગેરકાયદે યુરિયાના ઉપયોગ અને વેચાણ અંગે મહેસાણા, કડી અને વિજાપુર વિસ્તારમાં પણ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. કૃષિ વિભાગે જણાવ્યું છે કે ખેડૂતોના હિતો સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
વિભાગ દ્વારા ખેડૂતોને પ્રમાણિત અને અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ બિયારણ અને ખાતરની ખરીદી કરવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી છે.









