પશ્ચિમ કચ્છ પોલીસે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હાજીપીર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સરકારી પડતર જમીન પર કરાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, લુડબાય જૂથ પંચાયતની માલિકીની સરકારી જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામો ઊભા કરી દીધા હતા. આ જમીન પર લોજ, ખાણી-પીણીની દુકાનો તેમજ કરિયાણાની દુકાનો સહિતના વિવિધ વ્યાવસાયિક એકમો ચલાવવામાં આવી રહ્યા હતા.
તંત્ર દ્વારા અગાઉથી આપવામાં આવેલી સૂચનાઓ અને કાયદાકીય પ્રક્રિયા બાદ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની હાજરીમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન સરકારી જમીન પર ઉભા કરાયેલા ગેરકાયદેસર માળખાઓને તોડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પશ્ચિમ કચ્છ પોલીસે જણાવ્યું છે કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનાર તત્વો સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે. તંત્ર દ્વારા સરકારી મિલકતોનું રક્ષણ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.









