એશિયન ગેમ્સ પહેલાં ખેલાડીઓની મુશ્કેલી, રૂમ માટે 14 કલાક રાહ; જમીન પર સૂવાની પણ નોબત

જાપાનઃ જાપાનમાં શનિવારથી શરૂ થનારી એશિયન ગેમ્સ પહેલાં ખેલાડીઓના રહેઠાણને લઈને મુશ્કેલીઓ સામે આવી છે. આ વખતે અલગ એથ્લેટ વિલેજ બનાવવામાં આવ્યું નથી. તેના બદલે ખેલાડીઓ માટે ક્રૂઝ શિપ, અસ્થાયી રૂમ અને હોટેલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પરંતુ રૂમ ફાળવણી, ભોજન અને પરિવહનની વ્યવસ્થાને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી છે. ભારત સહિત કેટલાક દેશોના ખેલાડીઓને સમયસર રૂમ ન મળતાં મુશ્કેલી પડી છે. કેટલાક ખેલાડીઓને અસ્થાયી વ્યવસ્થામાં જમીન પર સૂઈને રાત પસાર કરવી પડી હોવાના અહેવાલો છે.

ભારતીય રોઇંગ ટીમ નાગોયા પહોંચ્યા બાદ ક્રૂઝ શિપમાં રૂમ મેળવવા માટે લગભગ 14 કલાક સુધી રાહ જોતી રહી હતી. કેટલાક ખેલાડીઓને મોડી રાત્રે રૂમ મળ્યા હતા, જ્યારે અમુક ખેલાડીઓને રૂમ શેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. આશરે 35 ભારતીય ખેલાડીઓ રહેઠાણની સમસ્યાથી પ્રભાવિત થયા હોવાનું જણાવાયું છે.

ભોજનને લઈને પણ ખેલાડીઓને મુશ્કેલી પડી હતી. પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કેટલાક ખેલાડીઓને સમયસર ભોજન ન મળતાં તેમણે ભારતથી સાથે લાવેલો ખોરાક ખાઈને ભૂખ સંતોષી હતી.

રહેઠાણની સમસ્યા અન્ય દેશોના ખેલાડીઓમાં પણ જોવા મળી હતી. વિયેતનામ, ચીન, દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડના કેટલાક ખેલાડીઓને પણ યોગ્ય રૂમ ન મળતાં અસ્થાયી વ્યવસ્થામાં રાત વિતાવવી પડી હતી. ગેમ્સ શરૂ થાય તે પહેલાં સામે આવેલી આ સમસ્યાઓથી આયોજકોની રહેઠાણ વ્યવસ્થા ચર્ચામાં આવી છે.

Leave a Comment

Traffic Tail