હવે ‘સરપ્રાઇઝ એરેસ્ટ’ નહીં! : ધરપકડ પહેલાં કલમ-69નો ઓર્ડર આપવો ફરજિયાત
GSTની તપાસ દરમિયાન કરદાતાને અચાનક ધરપકડ કરી લેવાની પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. GST કાયદાની કલમ-69 હેઠળ ધરપકડનો આદેશ કરદાતાથી છુપાવી રાખી શકાશે નહીં અને ધરપકડ કરતાં પહેલાં તેને આદેશની જાણ કરવી ફરજિયાત રહેશે.
સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો કે જો ધરપકડનો ઓર્ડર કરદાતાને આપવામાં જ ન આવે, તો તે વ્યક્તિ પોતાના કાનૂની અધિકારોના રક્ષણ માટે આ આદેશને કોર્ટમાં પડકારી કેવી રીતે શકે?
કોર્ટે નોંધ્યું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળના વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને વિભાગીય ગોપનીયતાના નામે અવગણી શકાય નહીં. ધરપકડ કરતાં પહેલાં કમિશનરે ઉપલબ્ધ પુરાવાના આધારે ધરપકડ માટેના ‘માનવા માટેના કારણો’ રેકોર્ડ પર નોંધવા પડશે.
સાથે જ આ ધરપકડ આદેશ ઈમેઈલ, ટપાલ અથવા અન્ય માન્ય ડિજિટલ માધ્યમથી કરદાતાને પહોંચાડવો પડશે. અત્યાર સુધી ધરપકડના સમયે જ આદેશની જાણ થતી હોવાની સ્થિતિ સામે હવે પારદર્શકતા પર ભાર મૂકાયો છે.
આ મામલો DGGI મુંબઈ ઝોનલ યુનિટની તપાસ સાથે સંકળાયેલો હતો. કંપની સામે બોગસ ITC, સર્ક્યુલર ટ્રેડિંગ અને સેવાઓની આયાત પર GST ન ભરવા જેવા આરોપો મૂકવામાં આવ્યા હતા.
મુંબઈ હાઈકોર્ટે અગાઉ કલમ-69નો ધરપકડ આદેશ બહાર પડે ત્યારથી એક સપ્તાહનું રક્ષણ આપ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે આ ‘કૂલિંગ-ઓફ પિરિયડ’ રદ કર્યો હતો. પરંતુ સુનાવણી દરમિયાન GST હેઠળ ધરપકડની મૂળ પ્રક્રિયામાં કરદાતાના અધિકારો અને પારદર્શિતાને લઈને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે.
વેપારીઓ-ઉદ્યોગકારો માટે શું મહત્વનું?
- કલમ-69નો ધરપકડ ઓર્ડર છુપાવી શકાશે નહીં.
- ધરપકડ પહેલાં ઓર્ડર કરદાતાને પહોંચાડવો પડશે.
- ધરપકડ માટેના કારણો રેકોર્ડ પર નોંધવા પડશે.
- ઈમેઈલ કે અન્ય માન્ય ડિજિટલ માધ્યમથી ઓર્ડર આપી શકાશે.
- કરદાતાને કાનૂની ઉપાય મેળવવાની તક મળશે.
GSTની ધરપકડ પ્રક્રિયામાં આ નિર્ણયથી વિભાગની કાર્યવાહી વધુ પારદર્શક અને જવાબદાર બનવાનો માર્ગ મોકળો થયો છે.









