એમેઝોન-ફ્લિપકાર્ટ પર સેલર્સની મનમાની હવે ભારે પડશે : ઓર્ડર કેન્સલ કર્યો તો તગડી પેનલ્ટી

તહેવારોની સીઝન પહેલાં જ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લિપકાર્ટે સેલર્સ માટે પેનલ્ટીના નિયમો કડક કર્યા છે. હવે ગ્રાહકની વિનંતી વિના સેલર પોતાની રીતે ઓર્ડર કેન્સલ કરશે અથવા શિપમેન્ટમાં વિલંબ કરશે તો તેને ઓર્ડરની કિંમત પ્રમાણે દંડ ચૂકવવો પડી શકે છે. કંપનીઓનો હેતુ અનાવશ્યક કેન્સલેશન અટકાવી ગ્રાહકોને સમયસર ડિલિવરી આપવાનો છે.

એમેઝોનના ‘ઈઝી શિપ’ અને ‘સેલ્ફ શિપ’ મોડલમાં રૂ.10,000 સુધીના ઓર્ડર પર 10 ટકા અથવા મહત્તમ રૂ.1,000 સુધીની પેનલ્ટી લાગી શકે છે. રૂ.10,001થી રૂ.50,000ના ઓર્ડર પર 8 ટકા અથવા મહત્તમ રૂ.4,000 અને રૂ.1 લાખથી વધુના ઓર્ડર પર 2 ટકા ચાર્જ વસૂલાશે. આ ચાર્જ પર 18 ટકા GST પણ લાગશે. નિર્ધારિત સમયમર્યાદામાં શિપમેન્ટ કન્ફર્મ નહીં કરાય તો પણ પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે.

ફ્લિપકાર્ટે પણ પેનલ્ટીનું માળખું બદલ્યું

ફ્લિપકાર્ટે ઓર્ડરમાં વિલંબ અને કેન્સલેશન માટે ત્રણ સ્તરીય પેનલ્ટી સિસ્ટમ લાગુ કરી છે. ઓર્ડર સમયસર પિક-અપ માટે તૈયાર ન થાય તો રૂ.30, સેલર પોતાની તરફથી ઓર્ડર રદ કરે તો રૂ.60 અને વિલંબ બાદ ઓર્ડર કેન્સલ થાય તો રૂ.90 સુધીનો દંડ વસૂલાશે. નવા જોડાયેલા સેલર્સને પ્રથમ ત્રણ મહિના માટે આ નીતિમાંથી રાહત આપવામાં આવી છે.

નાના વેપારીઓએ વ્યક્ત કરી ચિંતા

સેલર એસોસિએશન ‘ફર્સ્ટ ઇન્ડિયા’ના પ્રતિનિધિઓએ પેનલ્ટીના નવા નિયમો સામે ચિંતા વ્યક્ત કરી છે. વેપારીઓના જણાવ્યા મુજબ દરેક કેન્સલેશન માટે સેલર જવાબદાર હોતો નથી. ઘણી વખત કુરિયર પિક-અપ, લોજિસ્ટિક્સ અને ટેક્નિકલ સમસ્યાઓના કારણે પણ ઓર્ડરમાં વિલંબ થાય છે. તહેવારોની સીઝનમાં આવી પેનલ્ટીથી નાના અને મધ્યમ વેપારીઓ પર વધારાનો નાણાકીય બોજ પડી શકે છે.

બીજી તરફ, કંપનીઓનું કહેવું છે કે ગ્રાહકોને વધુ સારી સેવા આપવા અને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે આ નિયમ જરૂરી છે. એમેઝોનના જણાવ્યા મુજબ સેલર્સ દ્વારા કરવામાં આવતા કેન્સલેશનનું પ્રમાણ કુલ ઓર્ડરના 1 ટકાથી પણ ઓછું છે અને સેલરની ભૂલ ન હોય તેવા કિસ્સાઓમાં સુરક્ષા વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે.

આ નવા નિયમો બાદ તહેવારોની સીઝનમાં સેલર્સ માટે સમયસર શિપમેન્ટ અને ઓર્ડર પૂરા કરવા વધુ જરૂરી બનશે, નહીં તો એક ઓર્ડર કેન્સલ કરવો પણ મોંઘો પડી શકે છે.

Leave a Comment

Traffic Tail