ગુજરાતમાં મેઘરાજાનો જોરદાર પ્રહાર: 259 તાલુકામાં વરસાદ, સિઝનનો 84.38% વરસાદ નોંધાયો

ગુજરાતમાં મેઘરાજાની મહેર સતત ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 268માંથી 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છ સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં 84.38% વરસાદ વરસી ચૂક્યો છે.

છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં 7.24 ઇંચ વરસાદ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરના વલ્લભીપુરમાં 6.1 ઇંચ, જામનગરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. બોરસદમાં 5.51 ઇંચ, કડીમાં 4.29 ઇંચ, કરજણમાં 4.29 ઇંચ, સુરતમાં 4.17 ઇંચ, ધોળકામાં 4.13 ઇંચ અને નડિયાદમાં 4.06 ઇંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 3.43 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદી-નાળા છલકાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ ઉપરાંત મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે અને યલો એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 908.88 મીમી છે, જેની સામે અત્યાર સુધી 766.96 મીમી વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 112.32%, મધ્ય ગુજરાતમાં 84.97%, સૌરાષ્ટ્રમાં 65.14%, ઉત્તર ગુજરાતમાં 63.29% અને કચ્છમાં 48.62% વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ મુજબ આવતીકાલથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટી શકે છે.

Leave a Comment

Traffic Tail