સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી આ વર્ષે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહેશે.
આ વખતે એકતા પરેડને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત એકતા પરેડનું આયોજન સવારના બદલે સાંજના સમયે કરવામાં આવશે. સાંજના સમયે યોજાનારી આ પરેડમાં દેશની વિવિધતા અને સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતા કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.
કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. એકતા પરેડમાં અંદાજે 10 હજાર પોલીસ, સુરક્ષાકર્મીઓ અને અર્ધલશ્કરી દળોના જવાનો જોડાશે અને ગાર્ડ ઓફ ઓનર તથા સલામી આપશે.
આ વર્ષે સામાન્ય નાગરિકો માટે પણ એકતા પરેડને પ્રત્યક્ષ નિહાળવાની તક આપવામાં આવી છે. જોકે, કાર્યક્રમમાં હાજરી આપવા માટે સુરક્ષાના કારણોસર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. કેવડિયામાં આ રાષ્ટ્રીય પર્વની ભવ્ય ઉજવણીને નિહાળવા ઇચ્છતા નાગરિકોએ અગાઉથી નોંધણી કરાવવી પડશે.









