વડોદરામાં 29 જૂનથી શરૂ થશે અત્યાધુનિક ઈ-બસ સેવા, 28 રૂટ પર દોડશે ઇલેક્ટ્રિક બસો

વડોદરા: શહેરના જાહેર પરિવહનને વધુ આધુનિક અને પર્યાવરણમિત્ર બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા 29 જૂનથી નવી ઈ-બસ સેવાની શરૂઆત કરવા જઈ રહી છે. સેવા શરૂ થાય તે પહેલાં કોર્પોરેશને આજે શહેરના વિવિધ રૂટ પર ઈ-બસનું સફળ ટ્રાયલ પૂર્ણ કર્યું હતું.

ઈ-બસોના સંચાલન માટે ગોત્રી વિસ્તારમાં 50 બસની ક્ષમતા ધરાવતો આધુનિક ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એકસાથે 13 ઈ-બસ ચાર્જ થઈ શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે, જેથી બસોની કામગીરી સરળ અને સતત ચાલુ રહી શકે.

નવી ઈ-બસોમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. મહિલાઓ, દિવ્યાંગજનો અને સિનિયર સિટિઝન માટે અનામત બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત આરામદાયક બેઠક વ્યવસ્થા અને અન્ય જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

કોર્પોરેશનના આયોજન મુજબ શહેરના કુલ 28 રૂટ પર ઈ-બસ સેવા શરૂ કરવામાં આવશે. મુસાફરો માટે ભાડું રૂ.5થી શરૂ થઈ રૂ.30 સુધી નક્કી કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય નાગરિકોને સસ્તી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહનની સુવિધા મળી રહે.

કોર્પોરેશનનું માનવું છે કે ઈ-બસ સેવા શરૂ થતાં પ્રદૂષણમાં ઘટાડો થશે, ઈંધણનો ખર્ચ બચશે અને શહેરના જાહેર પરિવહનમાં વધુ સુધારો આવશે.

Leave a Comment

Traffic Tail