ભાવનગર: ભાવનગર સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રસૂતિ માટે દાખલ કરાયેલી મહિલાને ખોટા બ્લડ ગ્રુપનું લોહી ચડાવવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું બહાર આવતાં ભારે ચકચાર મચી છે. સમગ્ર મામલે અદાલતે પોલીસનો સમરી રિપોર્ટ ફગાવી જવાબદારો સામે ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામની ગીતાબહેન સોલંકીને પ્રસૂતિ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી મમતા કાર્ડ મુજબ તેમનું બ્લડ ગ્રુપ ‘A નેગેટિવ’ હતું. જોકે પ્રસૂતિ બાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા કેસ પેપરમાં થયેલી ભૂલને કારણે ‘B નેગેટિવ’ બ્લડ મંગાવવામાં આવ્યું હતું.
આરોપ છે કે બ્લડ બેંકે પણ જરૂરી ચકાસણી કર્યા વિના ખોટા બ્લડ ગ્રુપનું લોહી પૂરું પાડ્યું હતું. પરિણામે ગીતાબહેનને ખોટું લોહી ચડાવવામાં આવતા તેમના શરીરમાં ગંભીર પ્રતિક્રિયા સર્જાઈ હતી. આશરે એક અઠવાડિયા સુધી સારવાર હેઠળ રહ્યા બાદ આખરે તેમનું મોત થયું હતું.
મૃતકના પરિવારજનોએ આ ઘટનામાં હોસ્પિટલના તબીબી સ્ટાફ અને બ્લડ બેંકની ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. જોકે નીલમબાગ પોલીસે પ્રાથમિક તપાસ બાદ ‘ગુનો બનતો નથી’ એવો સમરી રિપોર્ટ અદાલતમાં રજૂ કર્યો હતો.
પોલીસના આ વલણ સામે મૃતકના ભાઈ મુકેશભાઈ મિયાત્રાએ એડવોકેટ જિજ્ઞેશ કે. મહેતા અને શિશિર એમ. ત્રિવેદી મારફતે અદાલતનો દરવાજો ખટખટાવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન સ્પેશિયલ (એટ્રોસિટી) કોર્ટના જજ જે. જી. દામોદરાએ મેડિકલ રેકોર્ડ અને ઉપલબ્ધ પુરાવાના આધારે પોલીસનો સમરી રિપોર્ટ ફગાવી દીધો હતો. અદાલતે પ્રાથમિક દ્રષ્ટિએ તબીબી બેદરકારી ગંભીર હોવાનું નોંધતાં એસસી/એસટી સેલને ગુનો નોંધવા તથા જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.









