અમદાવાદ: સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ હવે ચોમાસાની ગતિ ધીમી પડી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ 17 જુલાઈ સુધી રાજ્યમાં માત્ર છૂટાછવાયા વરસાદની જ શક્યતા છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે.
હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 223.88 મીમી, એટલે કે સીઝનનો 24.63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટમાં અત્યાર સુધી માત્ર 125 મીમી, એટલે કે 14.42 ટકા વરસાદ જ વરસ્યો છે. પ્રથમ વરસાદી રાઉન્ડમાં રાજકોટમાં અંદાજે પાંચ ઇંચ જેટલો જ વરસાદ નોંધાતા શહેર હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં સરેરાશ 18.68 ટકા વરસાદ નોંધાયો છે. ધોરાજી, ગોંડલ, જેતપુર, ઉપલેટા અને કોટડા સાંગાણી જેવા તાલુકાઓમાં સારો વરસાદ થતાં જિલ્લાની સરેરાશ વધી છે. જોકે જસદણમાં માત્ર 3.81 ટકા, પડધરીમાં 6.28 ટકા અને વીંછીયામાં 9.76 ટકા વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદની ખાધ યથાવત છે.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની અસમાન સ્થિતિ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં માત્ર 0.92 ટકા, જામનગરમાં 9 ટકા, મોરબીમાં 9.57 ટકા અને પોરબંદરમાં 11.56 ટકા વરસાદ નોંધાયો છે. બીજી તરફ અમરેલીમાં 43 ટકા, જૂનાગઢમાં 43 ટકા, ગીર સોમનાથમાં 40 ટકા અને ભાવનગરમાં 33 ટકા વરસાદ નોંધાતા દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે.
ઝોનવાર વરસાદની સ્થિતિમાં દક્ષિણ ગુજરાત સૌથી આગળ છે, જ્યાં 34.69 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 27.61 ટકા, મધ્ય ગુજરાતમાં 17.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા અને કચ્છમાં માત્ર 1.92 ટકા વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિવસોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં માત્ર છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જ્યારે કોંકણ અને ગોવા વિસ્તારમાં વ્યાપક વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હાલ ચોમાસાની રેખા ઉત્તર ભારતમાં પસાર થઈ રહી છે અને વિવિધ વિસ્તારોમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય હોવા છતાં તેની ગતિ ધીમી પડતાં હવે આગામી વરસાદી સિસ્ટમ પર સૌની નજર મંડાઈ છે.









