મેઘમહેરથી ગુજરાતના 13 ડેમ છલકાયા, 21 જળાશયો હાઈ એલર્ટ પર; દમણગંગા અને ઉકાઈમાં પણ સતત પાણીની આવક
અમદાવાદ: રાજ્યમાં ચાલુ ચોમાસા દરમિયાન વરસી રહેલા સારા વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. જળસંપત્તિ વિભાગના તા. 27 જુલાઈ સવારે 8 વાગ્યાના અહેવાલ મુજબ રાજ્યના 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે, જ્યારે 13 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને 21 જળાશયો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 69.25 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ડેમમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે અને હાલમાં 3,232 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
નર્મદા ડેમ સિવાય રાજ્યના અન્ય 206 મુખ્ય જળાશયોમાં કુલ 2,53,336 MCFT પાણી સંગ્રહિત થયું છે, જે કુલ ક્ષમતાના 45.41 ટકા જેટલું છે. રાજ્યમાં 26 જળાશયો 90થી 100 ટકા, 28 જળાશયો 50થી 70 ટકા, 55 જળાશયો 25થી 50 ટકા અને 84 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયેલા છે. ઉપરાંત 5 જળાશયો એલર્ટ અને 13 જળાશયો વોર્નિંગ હેઠળ રાખવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાતના દમણગંગા ડેમમાં 27,412 ક્યુસેક પાણીની આવક સામે 37 હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે. જ્યારે ઉકાઈ ડેમમાં 11,689 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવર, દમણગંગા, ઉકાઈ, કરજણ, ધોડાધ્રોઈ, વણાકબોરી, કડાણા, કેલીયા અને જુજ સહિતના કુલ 9 જળાશયોમાં 1,200થી 27 હજાર ક્યુસેક સુધીની પાણીની આવક નોંધાઈ રહી છે.
જળસંગ્રહની દૃષ્ટિએ મધ્ય ગુજરાતના 17 જળાશયો 50 ટકાથી વધુ, સૌરાષ્ટ્રના 141 જળાશયો 47 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 45 ટકાથી વધુ, ઉત્તર ગુજરાતના 15 જળાશયો 39 ટકાથી વધુ અને કચ્છના 20 જળાશયો 25 ટકા જેટલા ભરાયેલા હોવાનું વિભાગે જણાવ્યું છે.









