રશિયા-યુક્રેન વચ્ચે ચાર વર્ષથી ચાલી રહેલું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. યુક્રેને રશિયાના અનેક વિસ્તારોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યા બાદ રશિયાએ પણ યુક્રેન પર મિસાઈલ હુમલાથી વળતો જવાબ આપ્યો હતો. રશિયન હુમલામાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલના ગ્રુપ સાથે સંકળાયેલી ફેક્ટરીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાતોરાત યુક્રેનના 822 ડ્રોન નષ્ટ કરવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિનના જણાવ્યા પ્રમાણે, આશરે 600 ડ્રોન મોસ્કો તરફ આવી રહ્યા હતા. અનેક ડ્રોનને મોસ્કો અને આસપાસના વિસ્તારમાં જ હવામાં તોડી પાડવામાં આવ્યા હતા.
ડ્રોન હુમલાના કારણે રશિયાના કેટલાક વિસ્તારોમાં જાનમાલને નુકસાન થયું છે. પોડોલ્સ્ક શહેરમાં ઓનલાઈન રિટેલ કંપની વાઈલ્ડબેરીઝના ગોડાઉનમાં આગ લાગી હતી. રોસ્તોવ વિસ્તારમાં 150થી વધુ ડ્રોન હુમલામાં પાંચ લોકોનાં મોત થયા હોવાનું જણાવાયું છે.
મિત્તલ ગ્રુપની ફેક્ટરી પર મિસાઈલ હુમલો
યુક્રેનના ક્રિવી રિહ શહેરમાં આવેલા આર્સેલર મિત્તલ ક્રિવી રિહ પ્લાન્ટને રશિયન મિસાઈલ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ ભારતીય ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના આર્સેલર મિત્તલ ગ્રુપનો ભાગ છે.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે રશિયન મિસાઈલ હુમલામાં પ્લાન્ટને નુકસાન થયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેક્ટરીનું કામકાજ હાલ રોકી દેવામાં આવ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, ક્રિવી રિહમાં થયેલા હુમલામાં 2 લોકોનાં મોત અને 14 લોકો ઘાયલ થયા છે. સૂમી અને દક્ષિણ ઝાપોરિઝ્ઝિયા વિસ્તારમાં થયેલા અન્ય હુમલામાં પણ ત્રણ લોકોનાં મોત થયા હોવાનું જણાવાયું છે.
યુક્રેનના મોટા ડ્રોન હુમલા બાદ રશિયાના વળતા પ્રહારે યુદ્ધની તીવ્રતા વધુ વધારી દીધી છે.









