MPમાં વરસાદનો પ્રહાર : કરોડોનો નવો રોડ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો!
મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી-નાળા બે કાંઠે વહી રહ્યા છે ત્યારે રામપુર નૈકિનના ખેરા-ડિઠોરા માર્ગનો મોટો હિસ્સો પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયો છે.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ રોડનું નિર્માણ માત્ર છ મહિના પહેલાં જ રૂ.104 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રસ્તો આટલા ઓછા સમયમાં વરસાદના પાણીમાં ધોવાઈ જતાં હવે તેની બાંધકામ ગુણવત્તા અને કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
રોડનો મોટો ભાગ તણાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને સ્થાનિક લોકોની અવરજવર પર અસર પડી છે.
MPમાં અનેક સ્થળે વરસાદનો કહેર
ભારે વરસાદની અસર માત્ર એક વિસ્તારમાં નહીં પરંતુ અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પન્નામાં નદીના તેજ પ્રવાહમાં ડમ્પર તણાઈ ગયું, જ્યારે સતના જિલ્લામાં બાઈક સહિત ત્રણ લોકો નાળાના પાણીમાં તણાયા હતા. બે લોકો તરીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
રીવાના અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું છે. ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
છ મહિના પહેલાં રૂ.104 કરોડના ખર્ચે બનેલો રોડ વરસાદના પાણીમાં તણાઈ જતાં હવે બાંધકામની ગુણવત્તા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે.









