નવી દિલ્હીના માસ્ટર પ્લાન-2047માં શહેરના ભવિષ્યના વિકાસને લઈને મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. વધતી વસ્તી અને જમીનની મર્યાદાને ધ્યાનમાં રાખીને હવે દિલ્હીમાં આડેધડ વિસ્તાર વધારવાને બદલે ઊંચાઈમાં વિકાસ કરવાની દિશા અપનાવવામાં આવશે.
નવી નીતિ હેઠળ યોગ્ય નિયમો અને સુરક્ષા ધોરણોનું પાલન થાય તો દિલ્હીમાં ભવિષ્યમાં 100 માળ કે તેથી વધુ ઊંચી ઈમારતો બનાવવાની શક્યતા ઊભી થઈ છે. આથી રાજધાનીમાં દુબઈ જેવી ગગનચુંબી ઈમારતો ઊભી થવાનો માર્ગ મોકળો થઈ શકે છે.
મેટ્રો-રેલવે નજીક હાઈરાઈઝને પ્રોત્સાહન
માસ્ટર પ્લાનમાં ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD) અને હાઈ ડેન્સિટી કોરિડોર (HDC) હેઠળ FAR 400થી 500 સુધીની જોગવાઈ કરવામાં આવી છે. મેટ્રો, RRTS અને રેલવે સ્ટેશનોના આશરે 500 મીટરના વિસ્તારમાં હાઈ-ડેન્સિટી પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ જોગવાઈથી ઓછી જમીનમાં વધુ રહેણાંક અને કોમર્શિયલ જગ્યા ઊભી કરી શકાશે.
સુરક્ષાના નિયમો સૌથી મહત્વના
100 માળ કે તેથી વધુ ઊંચી ઈમારત માટે માત્ર જમીન અને FAR પૂરતા નહીં હોય. ફાયર સેફ્ટી, સ્ટ્રક્ચરલ સેફ્ટી, પાર્કિંગ, ગ્રીન એરિયા, પાણી-વીજળી અને ટ્રાફિક વ્યવસ્થા સહિતના તમામ માપદંડો પૂરા કરવા પડશે.
લુટિયન્સ બંગલો ઝોન, હેરિટેજ વિસ્તારો, પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો અને એરપોર્ટ નજીકના સુરક્ષા ક્ષેત્રોમાં ઊંચી ઈમારતો પર નિયંત્રણ યથાવત રહેશે.
60 દિવસમાં મંજૂરીનો પ્રયાસ
મોટા પ્રોજેક્ટની મંજૂરી ઝડપી બનાવવા DDAને નોડલ એજન્સી બનાવવામાં આવી છે. ફાયર, ટ્રાફિક, MCD, વીજળી અને પાણી જેવા વિભાગો સાથે મળીને સિંગલ-વિન્ડો પદ્ધતિથી દરખાસ્તોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ થશે.
પ્રોજેક્ટ પર 60 દિવસમાં નિર્ણય લેવાની સમયમર્યાદા રાખવામાં આવી છે. ચોક્કસ શરતો હેઠળ સમયસર નિર્ણય ન લેવાય તો ‘ડીમ્ડ અપ્રૂવ્ડ’ની જોગવાઈ પણ લાગુ થઈ શકે છે.
માસ્ટર પ્લાન-2047નો સંદેશ સ્પષ્ટ છે—વધતી વસ્તી માટે દિલ્હી હવે જમીન પર નહીં, પરંતુ ઊંચાઈમાં વિસ્તરવાની દિશામાં આગળ વધશે.









