રાજકોટમાં નકલી સ્કોચનો મોટો ખેલ: ₹1 હજારની દારૂને ₹6 હજારની વિદેશી બ્રાન્ડ બનાવી વેચતો રિક્ષાચાલક ઝડપાયો

PCBના દરોડામાં ભાંડો ફૂટ્યો; મોંઘી બ્રાન્ડની બોટલમાં સસ્તી વ્હિસ્કી ભરી અસલી સીલ સાથે કરતો હતો વેચાણ

રાજકોટ: દારૂબંધી વચ્ચે રાજકોટમાં ડુપ્લિકેટ વિદેશી દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરની પ્રિવેન્શન ઑફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ ભગવતીપરામાં દરોડો પાડી સસ્તી વ્હિસ્કીને મોંઘી સ્કોચ તરીકે વેચતા રિક્ષાચાલકની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપી અનિશ આમદભાઈ હિંગોરા (ઉ.વ. 28) છેલ્લા ચાર મહિનાથી સસ્તી બ્રાન્ડની વ્હિસ્કીને મોંઘી વિદેશી સ્કોચની ખાલી બોટલોમાં ભરી, નવી કેપ અને નકલી સીલ લગાવી ઊંચા ભાવે વેચાણ કરતો હતો.

દરોડા દરમિયાન પોલીસે મોંઘી બ્રાન્ડની બોટલો, ખાલી સ્કોચ બોટલો, પ્લાસ્ટિક કેપ, સીલ, હીટ ગન સહિત કુલ ₹11,507નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ઓનલાઈન સીલ અને કેપ મંગાવી બોટલોને અસલી જેવી બનાવી ગ્રાહકોને છેતરતો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે રિક્ષાનો ધંધો મંદી જતાં આરોપીએ ઓનલાઈન ₹4 લાખની લોન લીધી હતી. લોનની ભરપાઈ કરવા માટે તેણે આ ગેરકાયદે ધંધો શરૂ કર્યો હતો. અંદાજે ₹1 હજારની સસ્તી વ્હિસ્કીને ₹6 હજારની સ્કોચ તરીકે વેચી મોટી કમાણી કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે.

PCBએ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ડુપ્લિકેટ દારૂના રેકેટમાં અન્ય કોણ સંકળાયેલા છે અને નકલી દારૂ ક્યાં-ક્યાં સપ્લાય થતો હતો તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail