ઝાંસી હાઇવે પર ડિવાઇડર સાથે કાર ધડાકાભેર અથડાઈ; મિત્રનું પણ મોત, ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત
ઝાંસી: માફિયા ડોન અતિક અહમદના પરિવાર પર વધુ એક દુઃખદ આફત આવી છે. ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના પૂંછ વિસ્તારમાં થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં અતિક અહમદના સૌથી નાના પુત્ર અબાન અહમદનું મોત થયું છે. અકસ્માતમાં તેના મિત્રનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પ્રાથમિક માહિતી મુજબ, અબાન પોતાના સાથીઓ સાથે પ્રયાગરાજથી ઝાંસી જેલ તરફ જઈ રહ્યો હતો. ત્યાં તે જેલમાં બંધ પોતાના ભાઈ અલી અહમદને મળવા જવાનો હતો. મુસાફરી દરમિયાન નેશનલ હાઇવે પર તેમની કાર અચાનક બેકાબૂ બની રોડના ડિવાઇડર સાથે જોરદાર અથડાઈ હતી.
અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. સ્થાનિક લોકોની જાણ બાદ પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઝાંસી પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં અબાન અહમદ અને તેના મિત્રનું મોત થયું છે. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.









