ગોંડલ ચોકડી પાસે દારૂની મોટી ખેપ ઝડપી: રૂ.22 લાખનો મુદ્દામાલ જપ્ત, સપ્લાયર સહિત બે શખ્સ ઝડપાયા

દમણથી કારમાં લવાતી 528 દારૂની બોટલો અને 168 બીયરના ટીન પીસીબીના દરોડામાં ઝડપાયા

રાજકોટ: રાજકોટ પીસીબીએ ગોંડલ ચોકડી નજીક મોટી કાર્યવાહી કરતાં દારૂ અને બીયરની ખેપ સાથે એક કાર ઝડપી પાડી છે. પોલીસે કાર સહિત કુલ રૂ.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોટાદના એક શખ્સની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન રાજકોટમાં દારૂનો જથ્થો પહોંચાડનાર રિસીવરને પણ સકંજામાં લેવામાં આવ્યો છે.

ખાનગી બાતમીના આધારે ગોંડલ રોડ સર્વિસ રોડ પર ઉભેલી નંબર પ્લેટ વગરની કારમાં દરોડો પાડતાં પોલીસે 528 વિદેશી દારૂની બોટલો અને 168 બીયરના ટીન કબજે કર્યા હતા. કાર ચલાવતો ભરત ભગવાન કમેજળીયા (રહે. બોટાદ) ઝડપાયો હતો.

પૂછપરછમાં આરોપીએ દમણથી દારૂ લાવી રાજકોટના ખોડિયારનગરમાં રહેતા સુખદેવ પરમારને સપ્લાય કરવાનો હોવાનું જણાવ્યું હતું. તેના આધારે પોલીસે સુખદેવ પરમારને પણ ઝડપી લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ભરત કમેજળીયા અગાઉ GUJSITOC હેઠળના ગુનામાં જેલમાં રહી ચૂક્યો છે. જામીન પર છૂટ્યા બાદ તે ફરી દારૂની હેરાફેરીમાં સક્રિય બન્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર નેટવર્ક અંગે પીસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail