મહારાષ્ટ્રમાં મેઘરાજાનો કહેર યથાવત: મુંબઈમાં 5 ઇંચ, લોનાવાલામાં 52 ઇંચનો રેકોર્ડબ્રેક વરસાદ

મહાબળેશ્વરમાં 20 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત; પાલઘરમાં વરસાદી દુર્ઘટનામાં 10નાં મોત, અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ

મુંબઈ: મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદ અને તોફાની પવનની આગાહી કરી છે.

મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન શાંતાક્રુઝ વેધશાળામાં 124 મીમી (લગભગ 5 ઇંચ) અને કોલાબા વેધશાળામાં 62 મીમી (અઢી ઇંચ) વરસાદ નોંધાયો હતો. છેલ્લા ત્રણ દિવસના વરસાદથી શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને હાલમાં જળસંગ્રહમાં આશરે 41 ટકા જેટલું નવું પાણી ઉમેરાયું છે.

મહારાષ્ટ્રના હિલ સ્ટેશનોમાં સૌથી વધુ અસર લોનાવાલા અને મહાબળેશ્વરમાં જોવા મળી છે. લોનાવાલામાં માત્ર 48 કલાકમાં 1,290 મીમી (આશરે 52 ઇંચ) વરસાદ નોંધાતા અનેક વર્ષોનો વરસાદી રેકોર્ડ તૂટી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે મહાબળેશ્વરમાં 24 કલાકમાં 513 મીમી (આશરે 20 ઇંચ) વરસાદ વરસતા સદીનો સૌથી વધુ વરસાદ નોંધાયો હોવાનું જણાવાઈ રહ્યું છે.

ભારે વરસાદના કારણે બંને હિલ સ્ટેશનોમાં ધોધો સક્રિય બન્યા છે, અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે અને ઘાટ વિસ્તારોમાં માર્ગો અવરોધિત થયા છે. ચારે તરફ પાણીના પ્રવાહ અને કુદરતી ધોધોના મનોહર દૃશ્યો વચ્ચે સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ પર છે.

પાલઘર જિલ્લામાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 10 લોકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે. વિરાર, વસઈ સહિતના વિસ્તારોમાં ચાર દિવસથી પાણી ભરાયેલી સ્થિતિ યથાવત છે, જોકે વરસાદનું જોર ઘટતાં સ્થાનિક લોકલ ટ્રેન સેવા અને લાંબા અંતરની ટ્રેનો ધીમે ધીમે પૂર્વવત થઈ રહી છે.

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે.

Leave a Comment

Traffic Tail