શેત્રુંજી સહિત ચાર ડેમ ઓવરફ્લો, રોજકી ડેમ ભરાવાની અણી પર; અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદનો દોર ચાલુ
ભાવનગર: સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડું ઘટ્યું હોવા છતાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાથી લઈને હળવા-મધ્યમ વરસાદનો દોર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન બંને જિલ્લામાં અડધા ઇંચથી દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાતા જળાશયોમાં નવા નીરની સતત આવક થઈ રહી છે.
ભાવનગર જિલ્લામાં સૌથી વધુ મહુવામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગારીયાધાર, પાલીતાણા અને જેસરમાં એક ઇંચ, શિહોરમાં પોણો ઇંચ તેમજ ભાવનગર શહેર, વલભીપુર અને ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
શેત્રુંજી સહિત ચાર ડેમ ઓવરફ્લો
સતત વરસાદના કારણે ભાવનગર જિલ્લાના જળાશયોમાં પાણીની આવક વધી રહી છે. જિલ્લાના 16 ડેમમાંથી ચાર ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય જળાશયોમાં પણ સતત પાણીની આવક નોંધાઈ રહી છે.
જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઈ જતા તેના તમામ 59 દરવાજા ખોલી 1,800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરાંત ધારી તાલુકાનો ખોડીયાર ડેમ પણ ઓવરફ્લો સપાટીએ પહોંચતા તેના બે દરવાજા ખોલીને 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
મહુવાનો માલણ ડેમ પણ સંપૂર્ણ ભરાઈ જતા તેમાંથી 533 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે રોજકી ડેમ 99.35 ટકા ભરાઈ જતાં ઓવરફ્લો થવાની અણી પર પહોંચ્યો છે.
આ ઉપરાંત રંઘોળા ડેમ 88.13 ટકા, હણોલ ડેમ 74.64 ટકા, કાળુભાર ડેમ 72.38 ટકા અને રજાવળ ડેમ 68.37 ટકા ભરાઈ ચૂક્યા છે. તળાજાના કાળુભાર ડેમમાંથી પણ 300 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.
અમરેલીમાં વરસાદે આપી આંશિક રાહત
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ બાદ છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર થોડું ઘટ્યું છે. જિલ્લામાં હળવા ઝાપટાથી લઈને એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
ફ્લડ કંટ્રોલ રૂમના આંકડા મુજબ જાફરાબાદમાં 24 મીમી, રાજુલામાં 23 મીમી, ખાંભામાં 13 મીમી, સાવરકુંડલામાં 11 મીમી, લીલીયામાં 7 મીમી, અમરેલીમાં 6 મીમી, બાબરામાં 4 મીમી, તેમજ બગસરા અને ધારીમાં 3-3 મીમી વરસાદ નોંધાયો હતો.
વરસાદના કારણે જિલ્લાના નદી-નાળા અને જળાશયોમાં પાણીની આવક ચાલુ રહેતાં તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.









