રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં દૂષિત પાણીની ગંભીર સ્થિતિ સામે આવી છે. તંત્રના આંકડા મુજબ છેલ્લા છ મહિનામાં શહેરના 18 વોર્ડમાંથી દૂષિત પાણી અંગે 5,326 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી 5,239 ફરિયાદોનો નિકાલ કરાયો હોવાનું જણાવાયું છે.
એક તરફ રાજકોટવાસીઓ પાસેથી પાણીવેરો વસૂલવામાં આવે છે, ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં લોકોને પીવા માટે સ્વચ્છ પાણી પણ ન મળતું હોવાના આંકડા ચોંકાવનારા છે. વોર્ડ નં. 11માં સૌથી વધુ 1,109 ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.
આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ બેદરકારી માટે જવાબદાર કોણ? જો લાંબા સમયથી દૂષિત પાણીની ફરિયાદો મળી રહી હતી તો તેના કાયમી ઉકેલ માટે અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં?
મનપાના તંત્ર દ્વારા દાયકા જૂની પાણીની વ્યવસ્થા, ડ્રેનેજ સિસ્ટમ અને ચોકઅપને દૂષિત પાણી પાછળના કારણો ગણાવવામાં આવ્યા છે.
હવે માત્ર ફરિયાદોનો નિકાલ કરવો પૂરતો નથી. જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી નક્કી કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં નાગરિકોને દૂષિત પાણી પીવા મજબૂર ન થવું પડે તે માટે મેયર દ્વારા કડક પગલાં ભરવા જરૂરી બન્યા છે.









