તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ; જિલ્લામાં હજુ માત્ર 37% વરસાદ, SDRF શાપરમાં તૈનાત
રાજકોટ: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશના નિર્દેશ બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે તેમજ દરેકને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
કલેક્ટરે જણાવ્યું કે ચાલુ ચોમાસામાં જિલ્લામાં અત્યાર સુધી માત્ર 37 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. હાલ જિલ્લાના ડેમોમાં સરેરાશ 35 ટકા જેટલો જળસંગ્રહ ઉપલબ્ધ છે, જેના કારણે આગામી વરસાદને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે.
રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. સંભવિત આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે રેવન્યુ, સિંચાઈ, માર્ગ-મકાન, મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને પોલીસ વિભાગના 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત SDRFની ટીમ શાપર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જિલ્લા તંત્રે આજી, ભાદર, ન્યારી અને મોજ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ હવામાન વિભાગ અને વહીવટી તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અપીલ કરી છે.









