સંસદીય ઘર્ષણ વચ્ચે PM મોદીની હાઈ લેવલ બેઠક: સિનિયર મંત્રીઓ અને અજીત દોભલ સાથે મહત્વપૂર્ણ મંથન

સંસદની વ્યૂહરચના, આંતરિક સુરક્ષા અને વૈશ્વિક તણાવ સહિતના મુદ્દાઓ પર ચર્ચા; બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં અટકળો તેજ

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજકીય ગરમાવો અને વૈશ્વિક સ્તરે ઝડપથી બદલાતી સુરક્ષા પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવન સ્થિત પોતાના કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલની હાજરીને કારણે બેઠકનું મહત્વ વધુ વધી ગયું છે.

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ શરૂ થયેલી બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારામણ, ડૉ. એસ. જયશંકર, પીયૂષ ગોયલ, હરદીપ સિંહ પુરી અને જે.પી. નડ્ડા સહિતના કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં સંસદના વર્તમાન સત્રને લઈને સરકારની આગળની વ્યૂહરચના, આંતરિક સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અને દેશ સામે ઉભા થતા વિવિધ પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હોવાની શક્યતા છે.

આ સાથે મધ્ય પૂર્વમાં વધતા તણાવ, ઈરાનને કેન્દ્રમાં રાખીને સર્જાતી પરિસ્થિતિ, લાલ સમુદ્ર વિસ્તારમાં વેપારી જહાજો પર થતા હુમલા, વૈશ્વિક કાચા તેલના વધતા ભાવ અને ભારતની ઊર્જા સુરક્ષા જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ વિચારણા થઈ હોવાના સંકેતો મળી રહ્યા છે.

જોકે બેઠકના એજન્ડા અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, તેમ છતાં સંસદીય પડકારો અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વચ્ચે યોજાયેલી આ હાઈ લેવલ બેઠકને નીતિગત દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail