રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હાઈટેક પદ્ધતિથી કાર ચોરી કરતી ટોળકીનો ભાંડો ફોડી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ આધુનિક સોફ્ટવેર અને ખાસ સાધનોની મદદથી કાર ચોરીને અંજામ આપતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આરોપીઓના કબજામાંથી બે સ્વિફ્ટ કાર અને એક અર્ટિકા કાર મળી કુલ ત્રણ ચોરાયેલા વાહનો કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ચોરી કરેલા વાહનોને રાજસ્થાનમાં લઈ જઈ વેચી દેતા હતા.
તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી અંદાજે એક કિલો વજનનો શક્તિશાળી મેગ્નેટ પણ મળ્યો છે. આ મેગ્નેટની મદદથી તેઓ વાહનોનું સ્ટીયરિંગ લોક તોડી ચોરીને સરળતાથી અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત કારના સુરક્ષા સિસ્ટમને બાયપાસ કરવા માટે ખાસ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને ચોરીના સમગ્ર નેટવર્ક, અન્ય સંડોવાયેલા શખ્સો તથા રાજસ્થાનમાં વાહનોની ખરીદી-વેચાણ સાથે જોડાયેલા લોકો અંગે વધુ તપાસ શરૂ કરી છે.









