રાજકોટ : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન સેતુ હનુમંત કથાને લઈને વિવાદ, પરસોતમ પીપળીયા પહોંચ્યા એ ડિવિઝન પોલીસ સ્ટેશન

રાજકોટમાં યોજાનારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની “સનાતન સેતુ હનુમંત કથા”ને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા ગુરુવારના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે અગાઉ પોલીસને લેખિતમાં અરજી કરી હતી, જેના અનુસંધાને પોલીસ દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા.

પરસોતમ પીપળીયાએ કુલ બે અરજીઓ કરી હોવાનું જણાવ્યું છે. પ્રથમ અરજીમાં તેમણે હનુમંત કથાના નામે અંતિમ દિવસે યોજાનારા “દિવ્ય દરબાર”ને મંજૂરી ન આપવા માંગણી કરી છે. જ્યારે બીજી અરજીમાં પોતાને પોલીસ પ્રોટેકશન આપવામાં આવે તેવી માંગ કરી છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન પરસોતમ પીપળીયાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમને સનાતન સેતુ હનુમંત કથા કે સનાતન ધર્મ સામે કોઈ વિરોધ નથી. તેમનો વિરોધ માત્ર કથાના અંતિમ દિવસે યોજાનારા “પ્રેત દરબાર” તરીકે ઓળખાતા દિવ્ય દરબાર સામે હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સનાતન તરીકે હનુમંત કથાનો કોઈ વિરોધ હોઈ શકે નહીં. કથાના આયોજકો દ્વારા તેમને મીડિયા મારફતે આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી આયોજકો તરફથી કોઈ લેખિત આમંત્રણ મળ્યું નથી.

Leave a Comment

Traffic Tail