રાજકોટના રેલનગરમાં ગુરુવારી બજારથી સ્થાનિકો પરેશાન, બજાર બંધ કરવાની ઉઠી માંગ

રાજકોટના રેલનગર વિસ્તારમાં દર ગુરુવારે ભરાતી બજારને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આસ્થા ચોક નજીક આવેલા RMC ગ્રાઉન્ડમાં યોજાતી ગુરુવારી બજારના કારણે આસપાસની સોસાયટીઓના લોકોને ગંદકી અને ઘોંઘાટનો સામનો કરવો પડી રહ્યો હોવાનું રહેવાસીઓનું કહેવું છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર બજાર પૂર્ણ થયા બાદ પ્લાસ્ટિકની થેલીઓ, કચરો અને અન્ય નકામો સામાન સોસાયટીઓની આસપાસ ફેલાઈ જાય છે, જેના કારણે વિસ્તારની સ્વચ્છતા પર અસર પડે છે. બજારના દિવસે વાહનોની અવરજવર વધતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે અને રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.

આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં બજાર બાદ ફેલાયેલી ગંદકી અને સ્થાનિકોની સમસ્યાઓ દર્શાવવામાં આવી છે. વીડિયો વાયરલ થતાં સ્થાનિકોની માંગ વધુ ઉગ્ર બની છે.

રહેવાસીઓએ તંત્ર સમક્ષ ગુરુવારી બજારને અન્ય સ્થળે ખસેડવા અથવા બજાર બંધ કરવા માટે રજૂઆત કરવાની માંગ ઉઠાવી છે. હવે તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.

Leave a Comment

Traffic Tail