વડાપ્રધાન મોદી છ દિવસના ત્રણ દેશોના પ્રવાસે રવાના, ઈન્ડોનેશિયા-ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી છ દિવસના વિદેશ પ્રવાસે રવાના થયા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાત લેશે. પ્રવાસ દરમિયાન રક્ષા, રોકાણ, ટેકનોલોજી, વેપાર અને વૈશ્વિક કૂટનીતિ સહિતના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઉચ્ચસ્તરીય ચર્ચા થશે તેમજ અનેક દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.

પ્રવાસના પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયાની મુલાકાત લેશે. ભારત નિર્મિત બ્રહ્મોસ મિસાઇલની ખરીદીમાં ઈન્ડોનેશિયાએ રસ દર્શાવ્યો હોવાથી આ મુદ્દે પણ મહત્વપૂર્ણ ચર્ચા થવાની ધારણા છે. ઉપરાંત તેઓ વિશ્વવિખ્યાત પ્રમ્બાનન મંદિરની મુલાકાત પણ લેશે.

ત્યારબાદ વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પહોંચશે, જ્યાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, રોકાણ, વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવા અંગે ચર્ચા થશે.

પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ ન્યૂઝીલેન્ડની મુલાકાત લેશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

ત્રણેય દેશોની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ત્યાં વસતા ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ સંવાદ કરશે અને તેમને સંબોધશે. ભારતના વૈશ્વિક સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રવાસને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Leave a Comment

Traffic Tail