અમદાવાદ: અખિલ ભારતીય કોળી સમાજના અધિવેશનને લઈને સમાજમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ગુજરાત કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે બંને અધિવેશનના આયોજકોની કામગીરીને સફળ ગણાવી હોવા છતાં સમાજને તેનો કેટલો ફાયદો થયો તે અંગે સવાલો ઉઠાવ્યા છે.
પ્રવીણ કોળીએ જણાવ્યું હતું કે બંને અધિવેશનોનું આયોજન ભવ્ય રીતે થયું અને આયોજકો પોતાના હેતુમાં સફળ રહ્યા, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોળી સમાજ સફળ થયો કે નહીં? સમાજના મૂળ પ્રશ્નો અને પડકારોના નિરાકરણ માટે શું નક્કર પગલાં લેવાશે તે અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.
તેમણે કેટલાક સમાજના આગેવાનો અને નેતાઓ પર આડકતરી ટિપ્પણી કરતાં કહ્યું કે કોળી સમાજના નામે રાજકીય લાભ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. “રાજકીય રોટલા શેકવા માટે સમાજના નેતાઓ દ્વારા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે, પરંતુ સમાજના વાસ્તવિક પ્રશ્નોનું શું?” તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.
પ્રવીણ કોળીએ વધુમાં જણાવ્યું કે અખિલ ભારતીય કોળી સમાજની ચૂંટણી છેલ્લા ઘણા વર્ષોથી યોજાઈ શકી નથી. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા છ વર્ષથી કોર્ટમાં દાવો ચાલી રહ્યો હોવાથી ચૂંટણી પ્રક્રિયા અટકી પડી છે, જેના કારણે સંગઠનના વિવિધ મુદ્દાઓ પણ અધૂરા રહ્યા છે.
આ દરમિયાન તેમણે અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ પ્રમુખ કુંવરજી બાવળિયાના તાજેતરના નિવેદન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કુંવરજી બાવળિયાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી, જેને લઈને પ્રવીણ કોળીએ અનેક મુદ્દાઓ સ્પષ્ટ કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.
તેમણે ભારપૂર્વક કહ્યું કે સમાજના આગેવાનોએ વ્યક્તિગત અને રાજકીય મુદ્દાઓને બાજુ પર રાખીને શિક્ષણ, રોજગાર, યુવાનોના વિકાસ અને સામાજિક સશક્તિકરણ જેવા પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
કોળી સમાજના અધિવેશન બાદ સામે આવેલા આ નિવેદનોને કારણે સમાજમાં નવી ચર્ચા શરૂ થઈ છે અને આગામી સમયમાં સમાજના આગેવાનો તરફથી શું પ્રતિસાદ આવે છે તેના પર સૌની નજર રહેશે.









