સુરત: શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઊભા થયા છે. પહેલા જ નોંધપાત્ર વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની અને રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. પાંડેસરા બાદ હવે પાલ વિસ્તારમાં BRTS બસ રોડ બેસી જતાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, પાલ વિસ્તારમાં અચાનક રોડ ધસી જતાં પસાર થઈ રહેલી BRTS બસનો એક ભાગ જમીનમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાના સમયે બસમાં મુસાફરો હાજર હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નહોતી.
આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસા પહેલાં રસ્તાઓ અને ડ્રેનેજ વ્યવસ્થાની યોગ્ય ચકાસણી કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ સર્જાઈ ન હોત.
શહેરમાં પ્રથમ વરસાદ બાદ જ અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જવાના દૃશ્યો જોવા મળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં પાકા રસ્તાઓ અચાનક બેસી ગયા હતા, જ્યારે અનેક સ્થળોએ રસ્તાઓ ધોવાઈ જતાં વાહનચાલકો અને રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ખાસ કરીને ઓફિસ જતાં નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અને માર્ગોની સ્થિતિ મુશ્કેલીજનક બની હતી. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે કરોડો રૂપિયાની પ્રિ-મોન્સુન કામગીરીના દાવા છતાં પ્રથમ વરસાદમાં જ તંત્રની તૈયારીઓની હકીકત સામે આવી ગઈ છે.
પાલ વિસ્તારમાં બનેલી ઘટનાએ ફરી એકવાર શહેરના માર્ગોના કામની ગુણવત્તા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ તંત્ર દ્વારા સ્થળ પર તપાસ અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.









