ઇન્ડોનેશિયાના ફ્લોરેસ આઇલેન્ડ નજીક 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતાં ભારે તબાહી સર્જાઈ છે. તાજા અહેવાલો મુજબ ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત અને 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બે લોકો હજુ ગુમ છે. ઇમારતો ધરાશાયી થવા અને ભૂસ્ખલનના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
ભૂકંપનું કેન્દ્ર ફ્લોરેસના ઉત્તરી કિનારાથી આશરે 68 કિલોમીટર દૂર અને લગભગ 10 કિલોમીટર ઊંડાઈએ હતું. મુખ્ય આંચકા બાદ અનેક શક્તિશાળી આફ્ટરશોક્સ પણ નોંધાયા હતા.
ભૂકંપ બાદ ઇન્ડોનેશિયાના BMKGએ સુનામીની ચેતવણી જાહેર કરતાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને ઊંચાણવાળા વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં દરિયાની સપાટીમાં મોટો વધારો ન નોંધાતા આશરે ત્રણ કલાક પછી ચેતવણી હટાવી દેવામાં આવી. એક મીટરથી ઓછી ઊંચાઈના મોજાં નોંધાયા હતા.
ભૂકંપના કારણે મકાનો અને સરકારી ઇમારતોને નુકસાન, વીજ પુરવઠો ખોરવાયો અને કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે. નાગેઇકેઓ વિસ્તારમાં આશરે 2,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ઇન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવેલું હોવાથી અહીં ભૂકંપીય પ્રવૃત્તિનું જોખમ સતત રહે છે.
7.7ના ભૂકંપથી ફ્લોરેસમાં ભારે નુકસાન થતાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધસ્તરે શરૂ કરવામાં આવી છે.









