અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનો સંઘર્ષ પૂર્ણ થયા બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અમેરિકાનું ક્ષેત્ર જાહેર કરવાની જાહેરાત કરી છે. ન્યૂયોર્કમાં સંબોધન દરમિયાન ટ્રમ્પે કહ્યું કે ઈરાનને હરાવ્યા બાદ ટૂંક સમયમાં હોર્મુઝ અંગે આ નિર્ણય લેવામાં આવશે.
ટ્રમ્પે ઈરાન પર અત્યંત કડક આર્થિક પ્રતિબંધો લાદવાના સંકેત આપ્યા છે. ઈરાનને પરમાણુ હથિયાર વિકસાવતાં રોકવા માટે અમેરિકાએ લીધેલા પગલાં બદલ માફી નહીં માંગે તેમ પણ તેમણે જણાવ્યું.
ઈંધણના વધતા ભાવ અંગે અમેરિકનોને સંબોધતાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનને પરમાણુ શક્તિ બનતાં રોકવા માટે જો લોકોને થોડા વધુ ગેસોલિનના ભાવ ચૂકવવા પડે, તો તે વિશ્વની સુરક્ષા માટે જરૂરી કિંમત છે. રોઇટર્સ અનુસાર અમેરિકામાં પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
ટ્રમ્પના નિવેદન સામે ઈરાને પણ કડક પ્રતિક્રિયા આપી છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ સ્પષ્ટ કર્યું કે હોર્મુઝ ઈરાનનું જ રહેશે અને તેને માત્ર નિવેદન, આદેશ કે સૈન્ય શક્તિથી કબજે કરી શકાય નહીં.
હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ ઊર્જા માર્ગોમાંનું એક છે. તેના નિયંત્રણને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની આશંકા છે અને તેની સીધી અસર વૈશ્વિક તેલ પુરવઠા તથા ઈંધણના ભાવો પર પડી રહી છે.
ટ્રમ્પના હોર્મુઝ અંગેના દાવાથી અમેરિકા-ઈરાન તણાવમાં વધુ વધારો થયો છે, જ્યારે ઈરાને અમેરિકાના દાવાને સીધો ફગાવી દીધો છે.









