સવારે 6 વાગ્યે ઈ-મેઈલ કરી ઓરેકલે 21 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા: AIમાં વધતા રોકાણ વચ્ચે મોટી છટણી

નવી દિલ્હી: અમેરિકાની દિગ્ગજ ટેક્નોલોજી કંપની ઓરેકલે વધુ 21 હજાર કર્મચારીઓની છટણી કરી હોવાના અહેવાલથી ટેક જગતમાં ખળભળાટ મચ્યો છે. કંપનીએ કર્મચારીઓને વહેલી સવારે 6 વાગ્યે ઈ-મેઈલ મોકલી નોકરીમાંથી દૂર કર્યાની માહિતી આપી હતી.

બિઝનેસ ઈનસાઈડરના અહેવાલ મુજબ, વિશ્વભરમાં ઓરેકલના આશરે 21 હજાર કર્મચારીઓને એકસાથે ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હતા. કંપની છેલ્લા કેટલાક સમયથી પરંપરાગત બિઝનેસની સરખામણીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે.

AIનો કંપનીના બિઝનેસ મોડેલમાં વધતો ઉપયોગ અને ખર્ચ ઘટાડવાની નીતિના ભાગરૂપે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

કર્મચારીઓને મોકલાયેલા ઈ-મેઈલમાં કંપનીની ફાઈલો, સોફ્ટવેર, ઈ-મેઈલ અને વોઈસ મેઈલ સહિતની વિવિધ સુવિધાઓની ઍક્સેસ બંધ કરી દેવામાં આવી હોવાનું જણાવાયું હતું. સાથે જ કર્મચારીઓ કંપનીની સિસ્ટમમાં લોગ-ઈન કરી શકશે નહીં તેવી પણ જાણ કરવામાં આવી હતી.

AIમાં રોકાણ વધારવા માટે કંપનીઓમાં ખર્ચ ઘટાડવા અને કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ત્યારે ઓરેકલની આ મોટી છટણીથી ટેક ક્ષેત્રમાં રોજગારને લઈને નવી ચિંતા ઊભી થઈ છે.

Leave a Comment

Traffic Tail