સેમિફાઈનલમાં દુર્ઘટના; 24 વર્ષીય સોફવાન અવાઈનું સારવાર દરમિયાન મોત
નરાથિવાત: દક્ષિણ થાઈલેન્ડના સુંગાઈ ગોલોકમાં ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતાં 24 વર્ષીય ખેલાડી સોફવાન અવાઈનું મોત થયું છે, જ્યારે 12 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે.
‘ગોલોક એફએ કપ’ની સેમિફાઈનલ મેચ દરમિયાન ખરાબ હવામાન વચ્ચે અચાનક મેદાન પર વીજળી ત્રાટકી હતી. ઘટનાથી સ્ટેડિયમમાં અફરાતફરી મચી ગઈ હતી.
સોફવાનને તાત્કાલિક સારવાર બાદ હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઈજાગ્રસ્ત ખેલાડીઓને સારવાર આપવામાં આવી રહી છે.
સોફવાન વિંગર તરીકે રમતો હતો અને થોડા દિવસ પહેલાં જ થાઈ લીગ-3ની યાલા એફસી સાથે જોડાયો હતો. ક્લબ અને થાઈલેન્ડ ફૂટબોલ એસોસિએશને ઘટનાને પગલે શોક વ્યક્ત કર્યો છે.









