કુવાડવા નજીક PCBનો દરોડો: ટ્રકના ટાયરમાં છુપાવેલો દારૂ ઝડપાયો, 4 સામે કાર્યવાહી

રાજકોટ: શહેર પોલીસની PCB ટીમે કુવાડવા નજીકથી દારૂ ભરેલો ટ્રક ઝડપી 1,200 વિદેશી દારૂની બોટલ સહિત ₹13.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રક ચાલકની ધરપકડ સાથે રાજકોટના બે બુટલેગરોને પણ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે દમણના બે સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ચોક્કસ બાતમીના આધારે હાઈવે પર ટ્રક રોકી તપાસ કરતાં જૂના ટાયરની અંદર વ્હીલ પ્લેટની આડમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ટ્રક ચાલક તૌફીક દાઉદ પરમારની ધરપકડ કરી હતી.

પૂછપરછમાં દારૂનો જથ્થો દમણથી મોકલાયો અને રાજકોટમાં સાજીદ રાઉમા તથા યાસીન બ્લોચ માટે લાવવામાં આવતો હોવાનું ખુલતા બંનેને પણ સકંજામાં લેવામાં આવ્યા છે.

પોલીસ તપાસમાં દારૂની હેરાફેરી માટે અપનાવવામાં આવેલી નવી મોડસ ઓપરેન્ડીનો પણ ખુલાસો થયો છે. ટોળકી ટ્રકના ટાયરમાં દારૂ છુપાવી તેના પર વ્હીલ પ્લેટ ફિટ કરી લોક મારી દેતી હતી, જેથી સામાન્ય તપાસમાં શંકા ન જાય. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

Leave a Comment

Traffic Tail