દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બંને શખ્સો સામે જિલ્લા કલેક્ટરે અટકાયતી આદેશ જારી કર્યો
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે કુખ્યાત બુટલેગરો સામે ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (PASA) હેઠળ કાર્યવાહી કરીને તેમને અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, નાગેશ્વર ગામના રણમલભા સામરાભા ઉર્ફે સામળાભા સુમણીયા અને ટોબર ગામના રાયદેભા ટપુભા કેર સામે સ્થાનિક પોલીસ મથકમાં દારૂ સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા હતા.
જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા એલસીબી દ્વારા જિલ્લાના ટોપ ગુનેગારોની વિગતો એકત્ર કરીને બંને આરોપીઓ સામે PASA હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી અને પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમે ગુનાહિત ઇતિહાસના આધારે સમગ્ર પ્રસ્તાવ તૈયાર કરી જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્નાએ દરખાસ્તનું પરીક્ષણ કર્યા બાદ બંને આરોપીઓ સામે PASA હેઠળ અટકાયતી વોરંટ જારી કર્યો હતો.
વોરંટ મળ્યા બાદ એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.આર. સવસેટા અને તેમની ટીમે બંને આરોપીઓને ઝડપી લઈને PASAની કાર્યવાહી અમલમાં મૂકી હતી.
કાર્યવાહી અંતર્ગત રણમલભા સામરાભા ઉર્ફે સામળાભા સુમણીયાને કચ્છના ભુજ સ્થિત પાલારા વિશેષ જેલમાં, જ્યારે રાયદેભા ટપુભા કેરને નર્મદા જિલ્લાના રાજપીપળા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા જિલ્લામાં દારૂના ગેરકાયદેસર ધંધા અને અસામાજિક તત્વો સામે આગળ પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.









