સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઇલ સાથે એલસીબીએ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા
ભાવનગર: ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ રીઢા તસ્કરોને ઝડપી લઈને તેમની પાસેથી રૂ.1.50 લાખથી વધુ કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ તથા પી.એસ.આઈ. આર.એ. વાઢેરની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલા કેટલાક શખ્સો ચોરીના મુદ્દામાલ સાથે રસાલા કેમ્પ વિસ્તારમાં ગુરુદ્વારા સામે આવેલા ગધેડિયા ફિલ્ડ પાસે ભેગા થયા છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી અજય ઉર્ફે તકિયો રાજુભાઈ વાઘેલા (20), નાસીરહુસૈન ઉર્ફે નાગ લીયાકતહુસૈન રફાઈ (21), લક્કી ઉર્ફે બાદશાહ હુસૈનભાઈ ચૌહાણ (19), શાહરૂખ ઉર્ફે બાઠીયો ઉર્ફે ભુરીયો સલીમભાઈ પઠાણ (28) અને **ફારૂક કાળુભાઈ શેખ (31)**ને ઝડપી લીધા હતા.
તલાશી દરમિયાન આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પોલીસે આ મુદ્દામાલ અંગે માલિકી સંબંધિત પુરાવા અથવા ખરીદીના બિલ રજૂ કરવા જણાવ્યું હતું, પરંતુ આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.
ત્યારબાદ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી પાંચેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ કબ્જે કરાયેલા દાગીના અને અન્ય માલમિલકત કયા ગુનાઓ સાથે સંકળાયેલી છે તેમજ અન્ય કેટલા ઘરફોડના ગુનાઓમાં આરોપીઓની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.









